Food, Travel and Observations!

અમારું ઉનાળુ વેકેશન ૨૦૧૭

અમારું ઉનાળુ વેકેશન ૨૦૧૭

અમારી 2017 ની ઉનાળુ યાત્રામાં આપનું સ્વાગત છે 😀 દર વર્ષે અમે જુન મહિનામાં અલગ અલગ જગ્યાએ ફરવા જવાનું નક્કી કર્યું છે. એના અમુક કારણો છે. (૧) મને મારો જન્મદિવસ કોઈ નવી જગ્યાએ(ખાસ કરીને જંગલમાં) ઉજવવો હોય છે (૨) જુન મહિનામાં અહી ઉનાળો શરુ થયો હોય એટલે દરેક જગ્યા એ બહુજ ઓછી ભીડમાં ફરી શકાય! (૩) અમને બંનેને ફરવું ખુબ જ ગમે છે 😉

બાકીની વાતો પછી, હવે મુખ્ય વાત પર આવીએ. હા તો અમે આ વખતની અમારી સમર ટ્રીપમાં યલોસ્ટોન નેશનલ પાર્ક અને ગ્રાન્ડ ટીટોન નેશનલ પાર્ક ગયા હતા. મમ્મી-પપ્પા અને પ્રીત ૮ જુને અહીંથી નીકળ્યા, પછીના અઠવાડિયે મારી ફાયનલ પરીક્ષા હતી. ૧૫મી જુને રાત્રે ૭ થી ૯ મે છેલ્લી પરીક્ષા આપી અને અમે ૧૬મી જુને સવારે ૬ વાગ્યાના પ્લેનમાં નીકળ્યા! અનુજે ૫ દિવસની રજા લીધી અને અમે ૧૬ જુનથી ૨૨ જુન સુધી ફરવા નીકળ્યા.

અમારી ગયા વર્ષની ટ્રીપમાં જેમ કર્યું હતું એની જેમ અમે બહુ પહેલાથી કશું નક્કી કરી શક્યા ન હતા. અમે ૧ મહિના પહેલા બધી હોટેલ બુક કરાવી દીધી હતી અને કેવી રીતે ફરવું એ નક્કી કરી દીધું હતું. આ વખતે અમે Airbnb માં પણ રોકાયા હતા જેના વિષે આગળ જતા જણાવીશ. પણ અમારી ટેવ પ્રમાણે ક્યાં કેવી રીતે ફરવું? ક્યાં રોકાવું? શું જોવું? એ બધું નક્કી કર્યું જ હતું જેની માહિતી વાંચવી હોય તો અહી ક્લિક કરો –> Summer Trip

ટુંકમાં: ૧૬ જુન ૨૦૧૭ એ સવારે ઘરેથી (San Jose એરપોર્ટથી) વેસ્ટ યલોસ્ટોન પહોચવું.  ત્યાંથી ગાડી ભાડે કરી એક પછી એક પાર્ક જોવા જવું.  (અમેરિકામાં દરેક એરપોર્ટ પરથી તમને ગાડી ભાડે મળે. એટલે તમે ઓનલાઈન બુકિંગ કરાવીને જે તે એરપોર્ટ પરથી ગાડી લઈને ત્યાં ફરી શકો.)
રોજ સરેરાશ ૩ કલાકથી વધુ ડ્રાઈવિંગ કરવું નહિ. સવારે વહેલા પાર્ક પહોચી સાંજે મોડામાં મોડા ૧૦ વાગે હોટેલ પહોચી જવું. દરેક હોટેલ બે પાર્કની વચ્ચે નાનકડાં ગામમાં લીધેલી જેથી એક સામટો રસ્તો ના કાપવો પડે. દરેક પાર્કમાં પહેલા વિઝીટર સેન્ટર પર જઈને ક્યાં ખાસ જવું એ જાણી લેવું. આખો પાર્ક પગપાળા ફરવો. પહેલેથી બધું વાંચીને શું ખાસ જોવું એ નક્કી કરેલું હતું એટલે એ ખાસ કરવું.

આ વખતે અમે ૬ દિવસ ૨ પાર્ક ફર્યા. દિવસનું સરેરાશ અમે ૭-8 કલાક ચાલતા. એમ કહીએ કે ટાટિયાની કઢી કરતા તો સહેજ પણ અતિશયોક્તિ નહિ ગણાય! સવારે ભરપેટ નાસ્તો કરતા બપોરે ઘરનું જમવાનું જમતા અને રાત્રે હોટેલ મળે તો જમતા.  જે ખાવાનું મળે એ ખાઈ લેતા અને થાકવાનું નહિ.

યલોસ્ટોન નેશનલ પાર્ક એટલો વિશાળ છે કે ૪ દિવસ પણ ઓછા પડે! એ પાર્કમાં ૪ તરફથી જઈ શકાય. અમે પશ્ચિમ થી ઉત્તર, ઉત્તર થી પૂર્વ, પૂર્વ થી દક્ષિણ અને દક્ષિણથી પશ્ચિમ એમ ફર્યા. તમે નકશો જોશો એટલે સમજી જશો. અને ટીટોન નેશનલ પાર્ક ૨ દિવસ. આ પાર્કમાં ૨ તરફથી જઈ શકાય એટલે અમે બંને બાજુથી પાર્ક ને જોયો. ટુંકમાં અમે બંને પાર્કને ચારે બાજુથી જોયો અને મોટા ભાગે જેટલી ટ્રેલ અને હાઈક સુચવેલી હતી એ બધી જ હાઈક કરી!

અહીંના બધા જ નેશનલ પાર્કમાં તમે પોતાની ગાડીમાં દરેક વ્યુ પોઇન્ટે જઈ શકો. વ્યુ પોઈન્ટ એટલે કે જ્યાંથી એ પાર્કની મુખ્ય જગ્યાઓ જોઈ શકાય, જેમ કે ખીણ, નદી, ઝરણા, પ્રાણીઓ, સરોવરો વગેરે. પણ તમારે જો અમારી જેમ સાચા અર્થમાં પાર્કની સુંદરતા માણવી હોય તો હાઈક કરવી જ રહ્યી 🙂

દરેક જગ્યાએ યાદગીરી માટે એક ફોટો પાડી ત્યાં બેસીને એ જગ્યાને આંખમાં સમાવતાં અને માણતાં 🙂 જેવી રીતે પ્લાન બન્યો હતો એ પ્રમાણે ચાલતા. અમે ફોનમાં ગુજરાતી નાટકો, અમારા ગમતા ગીતો, ભજનો, બાળગીતો અને ૩ રાજ્યના નકશા અને જરૂરી ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરીને ગયા હતા. જેથી માર્ગમાં નેટવર્ક ન હોય તો પણ અમે બધે પહોચી શકતા. અમે સૌથી સારું કામ એ કરેલું કે ઈંટરનેટ સહેજ પણ વાપરતા નહતા. અમારો સમય ફક્ત ફરવામાં જ ગાળતાં.

રાત્રે હોટેલ પર પહોચીને નહાવું, સવારનો સામાન ભરીને તૈયાર કરી દેવો. ૨ ફોન,૨ કેમેરા, બેટરી પેક ચાર્જ કરવા મૂકી દેવું , ઈન્ટરનેટ આવે એટલે મોબાઈલના ફોટા ઘરે બધાને મોકલવા. સવારે હોટેલ છોડીને પાર્કમાં જઈએ એટલે રસ્તામાં આગલા દિવસનો હિસાબ લખવો, ડાયરી લખવી અને જ્યાં જવાના છીએ એના વિષે ડોક્યુમેન્ટમાંથી વાંચી લેવું.

અમુક ટીપ્સ:

 • બને તો ફરીથી પહેરી શકાય એમ કપડા લેવા જેથી સમાન ઓછો થાય.
 • ઘરનાં નાસ્તા લેવા કેમ કે પાર્કમાં ખાવાનું શોધવામાં પડશો તો ૨ કલાક બગડશે.કારણકે અહીના પાર્કમાં શાકાહારી ભોજન મળવું ખુબ અઘરું હોય છે. પીઝા અને બટાકાની ફ્રાઈઝ સિવાય કઈજ નહિ મળે.
 • ખુબ સારા બુટ અને સ્લીપર લેવા. ઉનાળામાં ગયેલ હોવાથી સારા ચશ્માં, ટોપી , સનસ્ક્રીન લોશન લેવા.
 • રોકડા પૈસા લેવા. મોટા ભાગના પાર્કમાં cash only હોય છે.
 • યાદગીરી પૂરતા ફોટા પાડી એ જગ્યાને માણવી.
 • બેકપેક ખાસ. કેમ કે પાર્કમાં ગાડી મુકીને જ બધે ફરવાનું થાય એટલે પાણીની બોટલ, નાસ્તા, કેમેરા, ફોન મુકવા કામ લાગે. ખુબ પાણી પીવું.
 • દરેક રાજ્યમાં અલગ અલગ ટાઈમ ઝોન છે એટલે મોબાઈલ ટાવર પર ખાસ વિશ્વાસ મુક્યા વગર જે હોટલમાં રોકાયા હોય તેમણે પૂછી લેવું.
 • મચ્છર નો ખુબ ત્રાસ હોવાથી મચ્છર દુર રાખવાનું સ્પ્રે (mosquito repellent) ખાસ લઇ જવું. એક હાઈક દરમિયાન મે ફૂલ કપડા પહેર્યા હોવા છતાં મને 40 મચ્છર કરડેલા અને સારી એવી હેરાન થઇ હતી.
 • હોટલમાં મોટા ભાગે પાવર પ્લગ ઓછા હોય છે, તો extension board લઈને જવું જેથી રૂમમાં એક પ્લગ હોય તો પણ ચાલે.
 • અગાઉથી વાતાવરણ જોઇને રેનકોટ, સ્વેટર, ટોપી લઈને જવું. અમણે રેનકોટ ખુબ કામમાં લાગ્યો હતો.

ભાષણ પૂરું થયું.. ચાલો ત્યારે તમને સફર પર લઇ જાઉ હવે..

જગ્યાઓનું લીસ્ટ (એક પછી એક લીંક પર ક્લિક કરો એટલે બધાનાં બ્લોગ ખુલશે)

 • Yellowstone National Park – West to North
 • Yellowstone National Park – North to East
 • Yellowstone National Park – East to South
 • Yellowstone National Park – South to West
 • Grand Teton National Park – North to South
 • Grand Teton National Park – South to North

 Leave a Reply