Food, Travel and Observations!

Napa Valley

Napa Valley

અમે આ રવિવારે (૨૫/0૯/૨૦૧૬)પરિવાર સાથે નાપા વેલી ગયા હતા. ૭ જણા બેસી શકે એવી વેનમાં ભારતની જેમ ૮ જણા બેસીને ગયા હતા. 😀

નાપા વેલી વિષે: નાપા વેલીને કેલીફોર્નીયાનું વાઈન-પ્રોડ્યુસીંગ (વાઈનનું ઉત્પાદન કરતુ) ક્ષેત્ર કહેવામાં આવે છે. દ્રાક્ષના સંખ્યાબંધ ખેતરોની વચ્ચે ૧૦૦થી વધુ અલગ અલગ પ્રકારની winery (વાઈન બનાવતી ફેક્ટરી) આવેલી છે. દુર દુરથી લોકો વાઈન કેવી રીતે બનાવવામાં આવે છે એ જાણવા અને અલગ અલગ પ્રકારની વાઈન ચાખવા માટે આવે છે. અમારા ઘરથી ૯૦ માઈલ(૧૪૫ કિમી) દુર આવેલી Castello di Amorosa નામની વાઈનરીમાં અમે ગયા હતા. 

Castello di Amorosa વિષે: ૨૦૦૭ની સાલમાં શરુ કરેલી આ વાઈનરી ૧૮૮૫માં ઇટલીથી આવીને વસેલા Dario નામના વ્યક્તિની ચોથી પેઢી ચલાવે છે. ૧૦૭ રૂમ ધરાવતી અને નીચે ૪ અને ઉપર ૪ એમ કુલ ૮ માળ ધરાવતી આ વાઈનરીની વિશેષતા એ છે કે તેને ૧૨-૧૩મી સદીની ઇટાલિયન આર્કિટેક્ચર સ્ટાઈલથી બનાવવમાં આવી છે. ત્યાનાં હોલમાં ૧૮ મહિના સુધી કરેલું દીવાલ પરનું પેન્ટિંગ ખુબ પ્રખ્યાત છે. આ પેન્ટિંગમાં પણ ૧૨-૧૩મી સદીની ઇટાલિયન રહેણી દર્શાવવામાં આવી છે. 

અમે પહેલાથી ઓનલાઈન બુકિંગ કરાવીને ગયા હતા. ત્યાં અમારી ૧૨ વાગે ટુર હતી એટલે ત્યાં પહોચ્યા અને અમારા ટુર ગાઈડે અમને આખી વાઈનરી, અંદર ના ૪ માળ બધુજ બતાવ્યું.

napa-1
નાપા વેલીની શરૂઆત
napa-5
દ્રાક્ષના ખેતરોથી ઘેરાયેલી Castello di Amorosa વાઈનરી
napa-6
ગ્રેટ હોલ – ઇટાલિયન પેન્ટિંગથી ભરપુર દીવાલો

castleના ઉપરના માળેથી પાડેલ ફોટો. સામે બધાજ દ્રાક્ષના ખેતરો અને બીજા ફોટામાં ખેતરમાં દ્રાક્ષ લઈને ઉભેલી હું.

આ દ્રાક્ષને ઉગાડીને, એનો રસ કાઢી એને 2-3 અઠવાડિયા સુધી ઉપર બતાવેલા ૩ સ્તર ધરાવતા સ્ટીલના વિશાળ પીપડામાં આથો લાવવા (ferment) કરવા માટે મુકવામાં આવે છે. ૧૦-૧૨ મહિના થી લઇને 10 વર્ષ સુધી આ દ્રાક્ષનો રસ લાકડાના ૬૦ ગેલન (૨૫૦ લીટર) ના બેરલમાં ભરીને મુકવામાં આવે છે. વાઈન જેટલો જુનો થાય એટલો લાકડામાં પૂરીને એનો સ્વાદ વધારે સારો થાય અને ભાવ વધે. ૨ વર્ષ જુના આ એક બેરલની કિમત ૧૨૦૦૦ ડોલર (૮ લાખ) જેટલી હોય છે. આ વાઈનરીમાં સૌથી જૂનામાં જુનો વાઈન ૨૦૦૩નો હતો. આ વાઈનરીના નીચેના ચાર માળમાં આવા ઢગલા બંધ બેરલો અને વાઈન ચાખવા માટેના નાના રૂમ આવેલા છે.
ઉપરના ફોટા પરના બેરલ પર અલગ અલગ ચિત્ર દોરેલા છે. એ દર્શાવે છે કે અલગ અલગ વિસ્તારમાં ઉગાડવામાં આવેલી દ્રાક્ષનો અલગ અલગ સ્વાદનો વાઈન બને છે. અને ૨૦ માઈલ દુર ઉગાડવામાં આવેલી એક જ પ્રકારની બે દ્રાક્ષના પણ અલગ પ્રકારના વાઈન બને છે!

ઢગલાબંધ બેરલો અને બોટલો.

napa-17

ત્યાં છેલ્લે અમારા ગાઈડે અમને બધાને ૨ વર્ષ જુની વાઈન ચખાડી.એમના હાથમાં જે વાંસળી જેવું છે એને વાઈન નાઈફ કહે છે. બેરલમાંથી સીધું વાઈન કાઢીને ગ્લાસમાં ભરીને પછી આપે. વાઈન સ્વાદે કડવી, ગળી, ખાટી હોય અને એની વાસ એકદમ તીવ્ર હોય. વાઈનને પીવાની રીત પણ અમને ગાઈડે કીધી કે પહેલા વાઈનને સુંઘવાની, પછી એકદમ થોડીક જ મોમાં લઈને આખા મોઢામાં પ્રસરાવી પછી પીવાની. આખું મોઢું એકદમ સુકું થઇ જાય અને ગળામાં બળતરા થાય. મને ફરી પીવાનું આકર્ષણ થાય એવું એક પણ તત્વ આ વાઈનમાં લાગ્યું નહિ પણ આ નવો અનુભવ લેવાની મજા આવી.

napa-7
વાઈન ટેસ્ટીંગ કરી રહેલા અમે બધા 🙂
IMG_8066.JPG
અમને ચખાડવામાં આવેલી વાઈન

સફેદ વાઈન અને લાલ વાઈન બે પ્રકારનાં વાઈન અમે ચાખ્યા. દ્રાક્ષની ઉપરની છાલ, બીયા બધુ કાઢીને સફેદ વાઈન બને અને છાલ સાથે લાલ વાઈન બને.

વાઈનમા રહેલા સાઈટ્રીક એસિડ અને આલ્કોહોલનું મિશ્રણ તમારા મગજ પર એવો કંટ્રોલ કરે કે કોઈ વાઈનમાં લીંબુ નાખેલું નાં હોય તો પણ લીંબુ ફ્લેવરનો વાઈન પીતા હોવ એમ લાગે!

મુન્નાભાઈ એમ.બી.બી.એસ માં કહે છેને એમ કે લાઈફમે બહોત કુછ પહેલી બાર હોતા હે! એના જેવું જ જીવનમાં પહેલી વાર (અને કદાચ હવે છેલ્લી વાર) દારૂ પીવાનો અનુભવ વિચિત્ર પણ સારો રહ્યો!

 Leave a Reply