Food, Travel and Observations!

અમારું ઉનાળું વેકેશન

અમારું ઉનાળું વેકેશન

મેં અને અનુજે આ વખતે ઉનાળુ વેકેશનમાં ફરવા જવાનું નક્કી કર્યું. અનુજે ૫ દિવસની રજા લીધી અને અમે ૪ શનિ-રવિ અને ૫ સોમ થી શુક્રવાર એમ ૯ દિવસ વેકેશન ગાળવા કેલિફોર્નિયાના પડોસી રાજ્યો નેવાડા, યુટાહ અને એરિઝોના ગયા હતા. અમે આ રાજ્યોના પ્રખ્યાત નેશનલ પાર્ક્સ ફરવાનું નક્કી કર્યું. ભારતમાં હતી ત્યારથી આ બધા નેશનલ પાર્ક વિષે ખુબ સાંભળ્યું અને વાચ્યું હતું પણ એ સમયે નક્કી નહતું કે આટલી જલ્દી આ જગ્યાઓ જોવા મળશે. 🙂

૬ મહિના પહેલાથી તૈયારી શરુ કરી દીધી હતી. વાચતા રહેતા હતા. માહિતી એકઠી કરતા હતા. સૌથી પહેલા કેવી રીતે જવું? ક્યાં કેટલા દિવસ જોઇશે? એક જગ્યાએ થી બીજે જતા કેટલી વાર લાગશે? એ બધું નક્કી કર્યું. પછી બન્યો ફાઈનલ પ્લાન! જેનું ડોક્યુમેન્ટ વાંચવું હોય તો અહી ક્લિક કરો. SummerTrip. પ્લેન, હોટેલ, અમુક પાર્કની ટુર બધાનું ઓનલાઈન બુકિંગ ૩ મહિના પહેલા કરી દીધું હતું.

ટુંકમાં: ૧૧ જુન ૨૦૧૬ એ સવારે ઘરેથી (San Jose એરપોર્ટથી) લાસ વેગાસની ૧.૫ કલાકની ફ્લાઈટ લીધી. ત્યાંથી ગાડી ભાડે કરી એક પછી એક પાર્ક જોવા જવું.
રોજ સરેરાશ ૩ કલાકથી વધુ ડ્રાઈવિંગ કરવું નહિ. સવારે વહેલા પાર્ક પહોચી સાંજે મોડામાં મોડા ૧૦ વાગે હોટેલ પહોચી જવું. દરેક હોટેલ બે પાર્કની વચ્ચે નાનકડાં ગામમાં લીધેલી જેથી એક સામટો રસ્તો ના કાપવો પડે. દરેક પાર્કમાં પહેલા વિઝીટર સેન્ટર પર જઈને ક્યાં ખાસ જવું એ જાણી લેવું. આખો પાર્ક પગપાળા ફરવો. પહેલેથી બધું વાંચીને શું ખાસ જોવું એ નક્કી કરેલું હતું એટલે એ ખાસ કરવું.
પાર્કમાં દરેક જગ્યાએ નાની મોટી હાઈક હોય એટલે કે નાની પગદંડી- જેથી તમે ચાલીને પાર્કની સુંદરતા માણી શકો. દિવસનું સરેરાશ અમે ૫-૬ કલાક ચાલતા. સવારે ભરપેટ નાસ્તો કરી નીકળતા અને બપોરે ઘરનાં નાસ્તા ખાતા અને રાત્રે હોટેલ પર જમતા. રોજની ૭-૮ કલાકની ઊંઘ લેતા, જે ખાવાનું મળે એ ખાઈ લેતા( શાકાહારી જ હો :D), થાકવાનું નહિ.
દરેક જગ્યાએ યાદગીરી માટે એક ફોટો પાડી ત્યાં બેસીને એ જગ્યાને આંખમાં સમાવતાં અને માણતાં 🙂 જેવી રીતે પ્લાન બન્યો હતો એને બરાબર નિભાવતા. અમે ફોનમાં ગુજરાતી નાટકો, અમારા ગમતા ગીતો, ભજનો, બાળગીતો અને ૪ રાજ્યના નકશા અને જરૂરી ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરીને ગયા હતા. જેથી માર્ગમાં નેટવર્કના હોય તો પણ અમે બધે પહોચી શકતા.અમે સૌથી સારું કામ એ કરેલું કે ઈંટરનેટ સહેજ પણ વાપરતા નહતા. અમારો સમય ફક્ત ફરવામાં જ ગાળતાં.

રાત્રે હોટેલ પર પહોચીને નહાવું,સવારનો સામાન ભરીને તૈયાર કરી દેવો. ૨ ફોન,૨ કેમેરા, બેટરી પેક ચાર્જ કરવા મૂકી દેવું , ઈન્ટરનેટ આવે એટલે મોબાઈલના ફોટા ઘરે બધાને મોકલવા.(અમે extension board લઈને ગયા હતા જેથી રૂમમાં એક પ્લગ હોય તો પણ ચાલે). સવારે હોટેલ છોડીને પાર્કમાં જઈએ એટલે રસ્તામાં આગલા દિવસનો હિસાબ લખવો, ડાયરી લખવી અને જ્યાં જવાના છીએ એના વિષે ડોક્યુમેન્ટમાંથી વાંચી લેવું.

અમુક ટીપ્સ:
બને તો ફરીથી પહેરી શકાય એમ કપડા લેવા જેથી સમાન ઓછો થાય.
ઘરનાં નાસ્તા લેવા કેમ કે પાર્કમાં ખાવાનું શોધવામાં પડશો તો ૨ કલાક બગડશે.
ખુબ સારા બુટ અને સ્લીપર લેવા. ઉનાળામાં ગયેલ હોવાથી સારા ચશ્માં, ટોપી , સનસ્ક્રીન લોશન લેવા.
રોકડા પૈસા લેવા. મોટા ભાગના પાર્કમાં cash only જ હોય છે.
યાદગીરી પૂરતા ફોટા પાડી એ જગ્યાને માણવી.
બેકપેક ખાસ. કેમ કે પાર્કમાં ગાડી મુકીને જ બધે ફરવાનું થાય એટલે પાણીની બોટલ, નાસ્તા, કેમેરા, ફોન મુકવા કામ લાગે. ખુબ પાણી પીવું.
દરેક રાજ્યમાં અલગ અલગ ટાઈમ ઝોન છે એટલે મોબાઈલ ટાવર પર વિશ્વાશ ખાસ વિશ્વાશ મુક્યા વગર જે હોટલમાં રોકાયા હોય તેમણે પૂછી લેવું.

ભાષણ પૂરું થયું.. ચાલો ત્યારે તમને સફર પર લઇ જાઉ હવે..

જગ્યાઓનું લીસ્ટ (એક પછી એક લીંક પર ક્લિક કરો એટલે બધાનાં બ્લોગ ખુલશે)

  1. Hoover Dam
  2. Grand Canyon National Park
  3. Antelope Canyon
  4. Lake Powell
  5. Horseshoe Bend
  6. Monument Valley
  7. Arches National Park
  8. Bryce Canyon National Park
  9. Zion National Park
  10. Las Vegas


Leave a Reply