Food, Travel and Observations!

કવિતાઓ

ઘોડિયે નહીં તો કંઈ નહીં પણ
ઝૂલે તો હજુ ઝૂલી શકાય છે ,
પણ ભૂખ લાગે તો ક્યાં ફરી
મોંમાં અંગુઠો લઇ ચૂસાય છે ?

કંઇક શીખવાની જીજ્ઞાસા લઇ
ફરી સ્કૂલ કોલેજ જઈ શકાય છે ,
પણ દફતર ફેંકી રમવા દોડવું
એવું હવે ક્યાં કરી શકાય છે ?

ઝાડ પર નહીં તો કોલર ટયુનમાં
કોયલ- ટહુકા સાંભળી શકાય છે ,
પણ અમથું અમથું ક્યાં ફરીથી
કોયલ સંગ ટહુકી શકાય છે ?

મિત્રો સંગે તાળી દઈ હજુ એ
જોને ખિલખિલ હસી શકાય છે ,
પણ મનગમતી ચીજ મેળવવા
ક્યાં હવે ભેંકડો તાણી રડાય છે ?

જા તારી કિટ્ટા છે કહીને હજુ એ
પળમાં દુશ્મની કરી શકાય છે ,
પણ બીજી જ પળે બુચ્ચા કરીને
ક્યાં કોઈને ય મનાવી શકાય છે ?

મોટા થવાની ઈચ્છા કરીને જુઓ
ઝટ મોટા તો થઇ જવાય છે ,
પણ ફરી પાછું નાના થઇ જવું ?
ક્યાં કોઈનાથી પણ થવાય છે..

—————————————

કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
ટહુક્યા કરવાનું મને મંજૂર નથી;
કોઈ પ્રેમને નામે મને ડંખ્યા કરે,
અને ઈચ્છા મુજબ મને ઝંખ્યા કરે;
જે બોલે તે બોલવાનું ને નાગ જેમ ડોલવાનું.
મને આવું અઢેલવાનું મંજૂર નથી.

પોતાની આંખ હોય પોતાની પાંખ હોય,
પોતાનું આભ હોય પોતાનું ગીત હોય,
મનની માલિક હું મારે તે બીક શી?
હું તો મૌલિક છું,
હા માં હા કહીને ઠીક ઠીક રહીને,
મને ઠીક ઠીક રહેવાનું મંજૂર નથી.

માપસર બોલવાનું માપસર ચાલવાનું,
માપસર પહેરવાનું માપસર પોઢવાનું, માપસર ઓઢવાનું,
માપસર હળવાનું માપસર ભળવાનું,
આવું હળવાનું ભળવાનું માપસર ઓગળવાનું
મને આવું પીગળવાનું મંજૂર નથી.

કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
ટહુક્યા કરવાનું મને મંજૂર નથી.
-પન્ના નાયક

કવિયત્રીના મોઢે કવિતા સાંભળવાનો અનેરો આનંદ મેળવ્યો 🙂 28/02/2016

—————————————————-

મારે ફરી એકવાર શાળાએ
જવું છે.

દોડતાં જઈને મારી રોજની
બાંકડીએ બેસવું છે,

રોજ સવારે ઊંચા અવાજે
રાષ્ટ્રગીત ગાવું છે.

નવી નોટની સુગંધ લેતાં
પહેલા પાને ,

સુંદર અક્ષરે મારું નામ
લખવું છે.

…મારે ફરી એકવાર શાળાએ
જવું છે.

રીસેસ પડતાં જ વોટરબેગ
ફેંકી,

નળ નીચે હાથ ધરી પાણી
પીવું છે.

જેમ તેમ લંચબોક્સ
પૂરું કરી…

મરચુ મીઠું ભભરાવેલ,
આમલી-બોર-જમરુખ-
કાકડી બધું ખાવું છે.

સાઈકલના પૈડાની સ્ટમ્પ
બનાવી ક્રિકેટ રમવું છે,

કાલે વરસાદ પડે તો નીશાળે
રજા પડી જાય ,

એવાં વિચારો કરતાં રાતે
સુઈ જવું છે,
અનપેક્ષીત રજાના આનંદ
માટે…

મારે ફરી એકવાર શાળાએ
જવું છે.

છૂટવાનો ઘંટ વાગવાની રાહ
જોતાં,

મિત્રો સાથે ગપ્પાં મારતાં
વર્ગમાં બેસવું છે.

ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળુ
કરીને,

સાઈકલની રેસ લગાવતાં ઘેર
જવું છે.

રમત-ગમતના પીરીયડમાં…

તારની વાડમાંના બે તાર
વચ્ચેથી સરકી બહાર ભાગી
જવું છે.

તો ભાગી જવાની મોજ
અનુભવવા…

મારે ફરી એકવાર શાળાએ
જવું છે.

દીવાળીના વેકેશનની રાહ
જોતાં,

છ માસીક પરીક્ષાનો અભ્યાસ
કરવો છે.

દીવસભર કિલ્લો બાંધીને માટીને
પગથી તોડી,

હાથ ધોયા વિના ફરાળની
થાળી પર બેસવું છે.

રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યા
પછી,
તેમાંથી ન ફૂટેલા ફટાકડા
શોધતાં ફરવું છે.

વેકેશન પત્યા પછી બધી
ગમ્મતો દોસ્તોને કહેવા…

મારે ફરી એકવાર શાળાએ
જવું છે.

કેટલીયે ભારે જવાબદારીઓના
બોજ કરતાં ,

પીઠ પર દફતરનો બોજ
વળગાડવો છે….

ગમે તેવી ગરમી મા
એરકંડીશન્ડ ઓફીસ કરતાં,

પંખા વીના ના વર્ગમાં બારી
ખોલીને બેસવું છે.

કેટલીયે તૂટ્ફૂટ વચ્ચે
ઓફીસની આરામદાયક ખુરશી
કરતાં,

બે ની બાંકડી પર ત્રણ
દોસ્તોએ બેસવું છે…

“બચપણ પ્રભુની દેણ છે”-
તુકારામના એ અભંગનો
અર્થ હવે થોડો સમજમાં
આવવા માંડ્યો છે.

એ બરાબર છે કે નહી તે
સાહેબને પુછવા માટે…

મારે ફરી એકવાર શાળાએ
જવું છે.

નાનો હતો ત્યારે જલ્દી મોટા
થવું હતું…

આજે જયારે મોટો થયો ત્યારે
ખ્યાલ આવે છે કે,

“તૂટેલા સ્વપ્નો” અને
“અધુરી લાગણીઓ” કરતા-

“તૂટેલા રમકડા” અને
“અધૂરા હોમવર્ક” સારા હતા..

આજે સમજાય છે કે જયારે
“બોસ” ખીજાય એના કરતા,

શાળા માં શિક્ષક “અંગુઠા”
પકડાવતા હતા એ સારું હતું…

આજે ખબર પડી કે ૧૦-૧૦
રૂપિયા ભેગા કરી ને જે
નાસ્તા નો જે આનંદ આવતો
હતો એ આજે “પીઝા” મા
નથી આવતો…

ફક્ત મારેજ નહી,
-કદાચ આપણે બધાને ફરી સ્કુલે
જવું છે…

———————————————-

ચાલ મળીને એક ધગધગતું તાપણું સળગાવીએ

ઠરી ગયેલા શબ્દો માં કુણી લાગણીઓ ભડકાવીએ

તું અહમ રૂપી લાકડા સળગાવ
હું વહેમ રૂપી ફૂંક ને બાળું

ઉષ્મા ભર્યા વાતાવરણ માં જાત ને શેકીયે
કંકાસ ના કવચ કુંડળ કાઢીને ફેકીયે

આકાશે ઉઠતી ધુમાડા ની સેર માં જુદાઈ ને વળાવીએ
મિલન નાં મીઠા તણખાઓ ને ગળે લગાડીએ

ચાલ બધું ભૂલી ને એક તાપણું સળગાવીએ

થર થર ધ્રુજતી આ ઠંડી માં અનોખો તેહવાર મનાવીએ !

—————————————————–

દિલ પણ તારું
મરજી પણ તારી
પણ એક વાત કહું
તને મઝા પડશે

એક સોમવારે
કામ કાજ માંડી વાળી ને
બેફામ રખડ
સાચ્ચું કહું મઝા પડશે

બધા રચ્યા પચ્યા હશે કામ માં
તને કોઈ નહિ નડશે
સાચું કહું મઝા પડશે

મોબાઇલ બાજુએ મૂકી ને
હરજે ફરજે
બહુ ફરક પડશે
સાચું કહું મઝા પડશે

ખુલ્લી હથેલીયો પર
વરસાદી પોરાં ઝીલજે
ંહૈય્યે ઠંડક પડશે
સાચું કહું મઝા પડશે

નીરખજે શેરીઓ ને ખુલ્લી નજરો થી
તને બાળપન જડશે
સાચું કહું મઝા પડશે

પેહલાં પણ જીવતા હતા
એવું વર્ષો પછી ખબર પડશે
સાચું કહું મઝા પડશે

બહુ બહુ તો શું થશે
એક રજા પડશે
પણ સાચું કહું
મઝા પડશે !!

—————————————

ફાગણ ફોરમતો આયો…
આયો રે આયો..
ફાગણ ફોરમતો આયો…
 
લાલ લાલ લાલ લાલ રંગ પેલા કેસુડાના તરુવરપર પથરાયો
ઋતુઓનો રાજા પેલો ફાગણ આંગણ આવી અલબેલો લહેરાયો..
 
ચારેકોર ઘુમતાને લઇ લઇ પીચકારી હોળીનો ગુલાલ રચાયો
સરરર રંગ છુટે લાડકડો લાડ લૂટે, ઉરમાં ઉમંગ સમાયો..
 
ગોરી ગોરા છોરા છોરી કરતાજી ડોરાડોરી ફાગણને લેતા વધાયો
હોળી કેરાં રસ ઘેલાં હેતમાં હરખ ઘેલાં લૂંટે લાડ લૂંટાયો… ( હોળીના દિવસે 22/03/2016)
kesudo
 
 


3 thoughts on “કવિતાઓ”

Leave a Reply